Search
Close this search box.

એક જ વર્ષમાં 2850 કરોડની શાકભાજી ખાઈને પણ સુરતીઓને ઓડકાર ન આવ્યો!

સુરતીઓ પહેલેથી જ ખાવાના શોખીન છે. પરંતુ જો તમને કોઈ કહે કે સુરતવાસીઓ માત્ર એક જ વર્ષમાં 2850 કરોડની શાકભાજી ખાઈ ગયા તો તમને લાગશે કે સુરતીઓ સાચે જ ખાવાના ફૂલ શોખીન છે. વર્ષ 2022-2023માં 2850 કરોડની શાકભાજીમાં 42 પ્રકારની શાકભાજીમાં સૌથી વધુ ₹ 1308 કરોડની કિંમતના એટલે કે 46 ટકા બટાકા, ડુંગળી, ટામેટા, મરચા અને લસણ ખવાયા હતા. આ આંકડા APMC દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

 

સુરત શહેરમાં શાકભાજીની લે-વેચનું માર્કેટ વર્ષે અંદાજે ₹2850 કરોડનું છે. APMCએ જાહેર કરેલા આંકડા મુજબ એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં વિવિધ 42 પ્રકારના શાકભાજી ₹ 2850 કરોડના સુરત શહેર અને જિલ્લામાં વેચાયા હતા. આ 42 પ્રકાર પૈકી સૌથી વધુ ₹ 1308 કરોડની કિંમતના એટલે કે 46 ટકા બટાકા, ડુંગળી, ટામેટા, મરચા અને લસણ ખવાયા હતા. જેમાં 320 કરોડના બટાકા, 286 કરોડના કાંદા, 283 કરોડના ટામેટા, 210 કરોડના મરચા, 209 કરોડનું લસણ વેચાયું હતું.

સુરતના APMCમાં શાકભાજીનું હોલસેલ વેચાણ કરવામાં આવે છે. ખેડૂતો તેમને ત્યાં પકવેલા શાકભાજી હોલસેલ ભાવે APMCમાં વેચે છે અને APMCમાંથી તે સુરત શહેર અને જિલ્લાના છૂટક વેપારીઓ સુધી પહોંચતું હોય છે. APMCમાં દિલ્હી, હિમાચલ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 10 રાજ્યો અને ગુજરાતના અલગ અલગ ગામોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે. આ વર્ષ દરમિયાન 107 કરોડ કિલો શાકભાજીનું વેચાણ થયું હતું. જેમાં સૌથી વધારે 25.56 કરોડ કિલો બટાકા, 17 કરોડકિલો કાંદા 12 કરોડ કિલો ટામેટાં, 3.58 કરોડ કિલો રિંગણ. 5.79 કરોડ કિલો કોબી. 4.42 કરોડ કિલો ફ્લાવર, 3.35 કરોડ કિલો ભીંડા, 5.58 કરોડ કિલો લીલા મરચા, 2.24 કરોડ કિલો લીલા વટાણા, 1.18 કરોડ કિલો કારેલાનું વેચાણ થયું હતું.

ડિસેમ્બર-જાન્યુઆરીમાં જ કુલ શાકભાજીની 19% આવક

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં શાકભાજીનું સૌથી વધુ 10-10 કરોડ કિલો વેચાણ થયું હતું. વર્ષ દરમિયાન આવેલા કુલ શાકભાજીમાંથી 19 ટકા શાકભાજી માત્ર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવ્યા હતાં. જ્યારે નવેમ્બર મહિનામાં સૌથી ઓછું 8 કરોડ કિલો શાકભાજીનું વેચાણ થયું હતું. ઓક્ટોબર મહિનામાં લીંબુની સૌથી વધારે આવક થઈ હતી. ઓક્ટોબરમાં 35 લાખ કિલો લીંબુ આવ્યા હતાં.

છેલ્લા એક વર્ષ દરમિયાન બટાકાનો સરેરાશ હોલસેલ ભાવ રૂપિયા 18 હતો. જ્યારે ડુંગળી રૂપિયા 24, ટામેટાનો ભાવ રૂપિયા 25 હતો. સૌથી ઊંચો ભાવ રતાળુનો હતો જે 193 રૂપિયા થયો હતો. આ ઉપરાંત કોબી રૂપિયા 18, ફ્લાવર રૂપિયા 33ના ભાવે વેચાયું હતું. મરચાના ભાવ પણ રૂપિયા 45, લસણનો ભાવ રૂપિયા 188 રહ્યો હતો. ત્યારે એપીએમસીમાં આદુની આવક જરૂરિયાત કરતાં ઓછી રહી હતી. જેના કારણે ભાવો વધ્યા હતાં. વર્ષ દરમિયાન કુલ 1.47 કરોડ કિલો આદુનું વેચાણ થયું હતું. જેમાં આદુનો સૌથી ઉંચો ભાવ રૂપિયા 110 થયો હતો. આ ભાવ ઘટીને રૂપિયા 77 સુધી નીચે ગયો હતો. આદુનું સૌથી ઓછું વેચાણ માર્ચમાં 6.73 લાખ કિલો થયું હતું. જ્યારે જાન્યુઆરી માં સૌથી વધારે વેચાણ 16 લાખ કિલો થયું હતું.

Leave a Comment

Read More

Read More