Search
Close this search box.

અંબાજી યાત્રા બની અંતિમયાત્રા, દર્શન કરવા જતાં પરિવારની કારનો ઇડર પાસે અકસ્માત, સસરા અને પુત્રવધૂનું મોત

ન જાણ્યુ જાનકી નાથે કાલે શું થવાનું…. ઉક્તિ વારંવાર સાંભળવામાં આવતી હોય છે પણ જ્યારે આ ઉક્તિ આવી રીતે કોઇ પરિવાર પર વિતે તો તે સહન કરવું આકરુ છે. ધાર્મિક યાત્રાનો આનંદ જ્યારે અંતિમયાત્રાની સોળ તાણે ત્યારે પરિવાર પર વજ્રધાટ સમો સાબિત થાય છે.

સાબરકાંઠા જિલ્લાના ઈડર-હિંમતનગર હાઈવે પર આવેલ સાપવાડા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અલ્ટો કારનું ટાયર ફાટતા તે ફંગોળાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે જણા ઘટના સ્થળે જ મોતને ભેટ્યા છે, જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ટાયર ફાટતા અચાનક કાર પલ્ટી

આ અંગે મળતી માહિતી મુજબ, વડોદરાનો એક પરિવાર અલ્ટો કાર લઈને બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો. તેમની કાર બપોરે અઢી વાગ્યાની આસપાસ ઈડર-હિંમતનગર હાઈવે પર આવેલ સાપવાડા નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક કારનું ટાયર ફાટ્યું હતુ. જેના પગલે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી.

ઘટનાસ્થળ પર 2ના કમકમાટીભર્યા મોત

આ અકસ્માતમાં કારમાં સવાર બે જણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. બીજી તરફ અકસ્માતના પગલે રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા. જે બાદ 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ બે બાળકો સહિત ચાર ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ અને પછી અમદાવાદ સિવિલમાં રિફર કરવામાં આવ્યા

અંબાજી દર્શન યાત્રા બની અંતિમયાત્રા

હાલ તો સ્થાનિક પોલીસે પંચનામુ કરીને બન્ને મૃતદેહોનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ઘનશ્યામ પંડ્યા (55) અને દિપાલી પંડ્યા (40) તરીકે થઈ છે. જે સબંધે સસરા અને પુત્રવધુ થાય છે. જ્યારે ઈજાગ્રસ્તોની ઓળખ દીપેન પંડ્યા (40), તનિષ્ક પંડ્યા (6), પ્રહરન સોલંકી (3), પ્રતિક્ષા સોલંકી (40) તરીકે છે. અત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં દિપેનના પિતા ઘનશ્યામભાઇ પંડયા અને પત્ની દિપાલી પંડ્યાનું મોત નીપજ્યું છે. જ્યારે તેના એક પુત્ર તેમજ બહેન અને ભાણેજ ઇજાગ્રસ્ત થયા હોવાનું નજીક્ના પરિવારીક સૂત્રોએ જણાવ્યું હતું. આ અકસ્માતને પગલે વિસ્તારમાં તેમજ પરિવારજનોમાં શોક્ની લાગણી ફરી વળી હતી.

Leave a Comment

Read More

Read More