રાજકોટ બેઠક પર ભાજપને ટક્કર આપવા કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાને ઉતારવા જઈ રહ્યા છે તેવી અટકળો વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધાનાણી અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ ભલે લાભ લઈ લે
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે તેમ તેમ ગુજરાતના રાજકીય માહોલમાં ગરમાવો આવી રહ્યો છે. આ દરમિયાન ચૂંટણીને લઈને રાજકોટ બેઠક પર રૂપાલાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં મેદાને ઉતર્યા છે. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો છે, મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને માફી આપી દેશે.
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ગઈકાલથી ફરી પ્રચારમાં લાગી ગયા છે. રૂપાલા રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે આજે મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણીમાં પણ તેઓ હાજર રહ્યાં હતાં. આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, પરશોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષમા આપનારો સમાજ છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે, ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાને માફી આપી દેશે.
પરેશ ધાનાણીને લઈને આપ્યું નિવેદન
રાજકોટ બેઠક પર ભાજપને ટક્કર આપવા કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાને ઉતારવા જઈ રહ્યા છે તેવી અટકળો વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધાનાણી અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ ભલે લાભ લઈ લે, પરંતુ શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે.