’અંધેરા છટેગા, સુરજ નિકલેગા ઔર કમલ ખીલેગા’ સ્વ. અટલજીનાં શબ્દો અને સંકલ્પના, તેમજ લાલકૃષ્ણ અડવાણીએ વાવેલા બીજને PM મોદી અને અમિત શાહે પોષણક્ષમ રીતે ઉછેરી વિશ્વનાં સૌથી મોટા રાજકીયપક્ષ તરીકે પ્રસ્થાપિત કરવાની સાથે સાથે, દેશનાં સત્તાનાં સુત્રો પૂર્ણ બહુમતથી હાથમાં લેવા સુધીની સફર ખેડી, ભારતમાં સતત બીજી વખત બિન-કોંગ્રેસી સરકારની રચાના કરી ઇતિહાસ રચ્યો.
સ.ન. ૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું. ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપ અને PM મોદી પર પૂર્ણ ભરોસો હતો અને છે.
‘અખીલ ભારતીય જનસંઘ’ ની સ્થાપના
૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ડો.શ્યામાપ્રસાદ મુખરજીના નેતૃત્વમાં ‘અખીલ ભારતીય જનસંઘ’ નામથી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષની રચના થયેલી. દેશભરમાં જનસંઘ એક મજબુત વિપક્ષ તરીકે ઉભરી રહ્યો હતો. ૨૬ જુન ૧૯૭૫ના રોજ ઇન્દિરા ગાંધીએ પોતાની સતા ટકાવવા દેશમાં કટોકટી લાદી દીધી હતી. કટોકટીના ૨૧ મહિના બાદ ૧૯૭૭માં સામાન્ય ચૂંટણીની ઘોષણા થઇ ત્યારે ઇન્દિરા ગાંધીની તાનાશાહી અને અત્યાચારોથી દેશને મુક્ત કરાવવા માટે દેશના તમામ વિરોધીદળોએ એકજુથ થઇ લડવાનું નક્કી કર્યું અને જનતા મોરચાની રચના કરી. દેશહિત માટે ભારતીય જનસંઘે પણ જનતા મોરચામાં વિલીન થવાનો નિર્ણય લીધો.
પ્રથમ વખત દેશમાં ૧૯૭૭માં બિન-કોંગ્રેસી સરકાર
૧૯૭૭ની લોકસભા ચૂંટણીમાં જનતા મોરચાનો ૩૪૫ બેઠકો પર વિજય થયો. જેમાં જનસંઘના ૯૪ ઉમેદવારો વિજયી થયાં હતા. મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વમાં સરકાર બની. જેમાં અટલબિહારી બાજપાઈને વિદેશમંત્રી તથા લાલકૃષ્ણ અડવાણીને સુચના-પ્રસારણમંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન ૧૯૭૯માં જનતા મોરચાના ચૌધરી ચરણસિંહ, રાજનારાયણ અને જગજીવનરામે જનસંઘના નેતાઓ કે જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ સ્વયંસેવક હતા તે બાબતનો વિરોધ કરી બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવી જો સરકારમાં રહેવું હોય તો સંઘની સદસ્યતા છોડવી પડશે તેવી જાહેરાત કરી. જનસંઘના નેતાઓએ આ માંગણી ઠુકરાવી રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રાધાન્ય આપી જનતા મોરચાની સરકારમાંથી રાજીનામું આપ્યું અને સત્તાનો ત્યાગ કર્યો.
ભારતીય જનતા પાર્ટીની રચના
૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ અટલબિહારી બાજપાઈની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની રચના થઇ અને ચૂંટણી ચિન્હ તરીકે ‘કમળ’નું નિશાન નક્કી થયું. મુંબઈના પ્રથમ અધિવેશનના ઐતિહાસિક ભાષણમાં અટલજીએ કહ્યું હતું કે, ’અંધેરા છટેગા, સુરજ નિકલેગા ઔર કમલ ખીલેગા’.
પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી
૧૯૮૪માં ભાજપાએ પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો અને ૨ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો.જેમાં ગુજરાતની મહેસાણા બેઠક પરથી એ.કે.પટેલ અને આંધ્રપ્રદેશની હનામકોડા બેઠક પરથી ચંદુપાટિયા રેડ્ડી ચૂંટાયા હતા.ત્યારે કોંગ્રેસ દ્વારા કુંટુબ નિયોજનના નારા – ‘હમ દો-હમારે દો’ નો ઉલ્લેખ કરી સાંસદમાં ભાજપાની મજાક ઉડાડી હતી. પાંચ વર્ષ પછી ૧૯૮૯ની ચૂંટણીમાં ભાજપાનો ૮૬ બેઠકો પર વિજય થયો હતો, ૧૯૯૧માં ફરીથી ચૂંટણીઓ આવી તેમાં ભાજપાની બેઠકો વધીને ૧૨૦ સુધી પહોંચી ગઈ.
ભારત સર કરવા તરફ પહેલો પ્રયાણ
૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં રામમંદિરના સમર્થનમાં સોમનાથથી અયોધ્યા અને મુરલીમનોહર જોશીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એક્તાયાત્રા કાઢી હતી.જેનાં આયોજનની સંપૂર્ણ જવાબદારી નરેન્દ્રભાઈ મોદીએ સાંભળી હતી અને પોતાના જીવના જોખમે કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવી આતંકવાદીઓને લલકાર્યા હતા.
દેશમાં ભાજપની પ્રથમ સરકાર
૧૯૯૬માં પ્રથમ વખત ભાજપાને અટલબિહારી બાજપાઈના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનાવવાનો મોકો મળ્યો પરંતુ બહુમત સિદ્ધ ના થવાને લીધે ફક્ત ૧૩ જ દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું.ત્યારબાદ ૧૯૯૮માં ફરીથી ચૂંટણીઓ થઇ ત્યારે પણ અટલજીના નેતૃત્વમાં ભાજપા સરકાર બની પરંતુ બહુમત ના હોવાને કારણે ૧૩ મહિનામાં સરકાર તૂટી ગઈ.૧૯૯૯માં ભાજપાની આગેવાનીમાં એનડીએ(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ને પૂર્ણ બહુમતી મળી અને પુનઃ એકવાર અટલજી પ્રધાનમંત્રી બન્યા.તેમનાં શાસનમાં પોખરણ પરમાણું પરીક્ષણ થયું અને પાકિસ્તાન સામે કારગીલનું યુદ્ધ પણ જીત્યું હતું.૨૦૦૪થી ૨૦૧૪ સુધી ફરી કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર સતામાં આવી.
ગુજરાતમાં ભાજપનો તપતો સુરજ
આ દરમિયાન ગુજરાતમાં એક કરિશ્માયુક્ત ઓજસ્વી જનનેતાનો ઉદય થઇ ચુક્યો હતો.ગુજરાતમાં ૧૯૯૫થી ભાજપાની સરકાર હતી.૨૦૦૧માં કેશુભાઈ પછી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.તેમની પ્રશાસકીય સુઝબુઝ,પ્રમાણિક શાસન વ્યવસ્થા અને વિકાસની રાજનીતિએ દેશભરનાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.તેમનાં શાસનકાળમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી હતી.
૨૦૧૪ આવતાં સુધીમાં તો તેમની લોકચાહના દેશભરમાં ફેલાઈ ચુકી હતી અને દેશના લોકો તેને પ્રધાનમંત્રીના ચહેરા તરીકે જોવા લાગ્યા હતા.કોંગ્રેસના છેલ્લાં દસ વર્ષના ભ્રષ્ટાચારી શાસન સામે જનતા ઈમાનદાર અને રાષ્ટ્રપ્રેમી શાસક તરીકે નરેન્દ્રભાઈ મોદીને સ્વીકારી ચુકી હતી. PM મોદીના નેતૃત્વમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપાએ એકલે હાથે ૨૮૨ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી.
૧૧ કરોડ સદસ્યો સાથે ભાજપા દુનિયાની સૌથી મોટી પાર્ટી
૧૯૮૦થી લઇ આજસુધીમાં ૧૧ કરોડ સદસ્યો સાથે ભાજપા દુનિયાની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે.’સૌના સાથ સૌના વિકાસ’ની નીતિ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈના નેતૃત્વમાં આ સમય દરમિયાન સરકાર અને સંગઠન એમ બંને મોરચે ભાજપાએ વિકાસના નવા વિક્રમો સ્થાપિત કર્યા અને દેશનાં ૧૭ જેટલાં રાજ્યોમાં ભાજપાની સરકાર બનાવી દેશનાં ૬૦ટકા ભૂભાગ પર ભાજપાનો ભગવો લહેરાવ્યો.
૩૦૩ બેઠકો સાથે ફરી એક વાર દેશમાં મોદી જ મોદી
આ પાંચ વર્ષના સમયગાળામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં સર્વાંગીણ વિકાસ માટે મહત્વના નિર્ણયો લીધા, પ્રમાણિક શાસન આપ્યું અને દેશના છેવાડાના માનવીને પણ લાગ્યું કે આ સરકાર મારા માટે કામ કરે છે. જનધન એકાઉન્ટ,ઉજ્જવલા યોજના, મુદ્રા યોજના જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા ગરીબો અને મધ્યમવર્ગના લોકો માટે ઉન્નતિના દ્વાર ખોલ્યાં.જેનાં પરિણામે ૨૦૧૯ની ચૂંટણીઓમાં પણ ૩૦૩ બેઠકો સાથે ફરી એકવાર દેશમાં ભાજપાની પૂર્ણ બહુમતવાળી સરકાર બની.
૧૯૮૦ થી ૨૦૧૯ સુધીની ભાજપાની આ વિકાસયાત્રામાં કરોડો કાર્યકર્તાઓનો પુરુષાર્થ મહત્વનો રહ્યો છે. ભાજપાના કાર્યકરો ‘વ્યક્તિ સે બડા દલ ઔર દલ સે બડા દેશ’ના મંત્ર સાથે ભારત માતાને પરમ વૈભવના શિખર પર પુનઃઆરૂઢ કરવા માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરવા માટે પ્રતિબદ્ધ હોય છે. વિશ્વની કોઈપણ રાજકીય પાર્ટી પાસે આવા કરોડો સમર્પિત કાર્યકર્તાઓની ફૌજ નથી. રાષ્ટ્રપ્રથમની વિચારધારા, મજબુત, પ્રમાણિક અને કુશળ નેતૃત્વ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ફૌજ એ જ ભાજપાની સફળતાનું રહસ્ય છે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)