દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે આ નિર્ણય કેજરીવાલ પર છોડી દીધો છે અને કહ્યું છે કે આ નિર્ણય તેમને લેવાનો છે.
દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે આ નિર્ણય કેજરીવાલ પર છોડી દીધો છે. જો કે, કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, કેટલીકવાર રાષ્ટ્રીય હિતને વ્યક્તિગત હિતથી ઉપર રાખવું પડે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં જેલમાં છે. તેઓ જેલમાંથી જ સરકાર ચલાવવા પર અડગ છે.
એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાની બેન્ચે હિંદુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તાની પીઆઈએલને ફગાવી દીધી હતી. ગુપ્તાએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડનો હવાલો આપીને કેજરીવાલને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. કોર્ટે પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કરતા કહ્યું કે તે કેજરીવાલનો વ્યક્તિગત નિર્ણય છે કે તેણે ચાલુ રાખવું કે નહીં. કેજરીવાલ પર ચુકાદો છોડતી વખતે કોર્ટે એમ પણ કહ્યું કે, ‘ક્યારેક વ્યક્તિગત હિતને રાષ્ટ્રીય હિતને આધીન કરવું પડે છે.’