ગુજરાતી ડાયરાના લોકકલાકાર દેવાયક ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનો વિવાદ વકર્યો છે. થોડા સમય પહેલા જ બ્રિજરાજદાન દેવાયત ખવડના જૂના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. જેના જવાબમાં દેવાયત ખવડે પણ મોરબીના ત્રાજપર ગામે ડાયરામાં નામ લીધા વિના બ્રિજરાજદાન ગઢવી પર આકરા પ્રહારો કર્યા હતા. એવામાં બ્રિજરાજદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી દેવાયત ખવડને પડકાર ફેંક્યો છે.
બ્રિજરાજદાન ગઢવીએ પોતાના વીડિયોમાં દેવાયત ખવડનું નામ લીધા વિના કહ્યું કે, ‘આ વાતને બે વર્ષ વીતી ગયા છે. મારી આટલા વર્ષોની કારકિર્દીમાં હું ક્યારેય કોઈ બીજા કલાકાર સાથે વિવાદમાં નથી પડ્યો. આ ભાઈએ સમાધાન પછી પણ મારા ખૂબ જ ચાળા કર્યા છે. જ્યાં સુધી સહન થયું, ત્યા સુધી સહન કર્યું. જો કે હવે સહન ના થતું હોવાથી મારે જવાબ આપવો જરૂરી હતો. આથી મેં જવાબ આપ્યો છે. હું તમારી જેમ બીકણ માણસ નથી. ચારણો થકી જ આપણા રોચલા ચાલે છે. આથી તમે જે ચારણો વિશે કૉમેન્ટો કરો છો, તે બંધ કરો. તમે માપમાં રહેશો, તો જ મજા આવશે. હું ઈશરદાન ગઢવીનું લોહી છું અને મને ગર્વ છે. રાખી સાવંત હું વધારે કઈ ના કહી શકું. તમે કહો છો કે, હું જુવાનિયાને બગાડું છુ, તો તમારી જાણ સારું, હું દુનિયાને વ્યસન મુક્ત બનાવું છુ. તમારી જેમ 302, 307 જેવું કોઈ કાર્ય નથી કરતો.’
2022થી ચાલતો આવે છે વિવાદ
વાસ્તવમાં, દેવાયત ખવડે એકવાર પોતાના ડાયરામાં વિવાદિત નિવેદન આપ્યા બાદ માફી માંગવી પડી હતી. જે બાદ બ્રિજરાજદાન પોતાના ડાયરામાં બોલ્યા હતા કે, આપણે શું બોલીએ, તે આપણને ખબર હોવી જોઈએ. જે દિવસે બ્રિજરાજદાને માફી માંગવી પડશે, તે દિવસથી હું ડાયરો છોડી દઈશ. આ નિવેદન બ્રિજરાજદાને દેવાયત ખવડ પર કટાક્ષમાં આપ્યું હોવાનું વાત વહેતી થતાં દેવાયત ખવડે પણ જવાબ આપ્યો હતો કે, ‘પુરાવા માયકાંગલાને આપવા પડે.. હું ય કાઠી દરબાર છું, આવી જાવ મોરે મોરો, મારા વિરોધી ખોટી રીતે પ્રહાર કરી રહ્યા છે,મારી ઓપન ચેલેન્જ છે,આ ફિલોસોફી બંધ કર ભાઈ,જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય,આવી જાવ મોર મોરો.’
આ વિવાદ વધુ વકરે તે પહેલા સોનલધામ મઢડા મંદિર ખાતે બન્ને વચ્ચે સમાધાન કરાવીને વિવાદનો અંત લાવવામાં આવ્યો હતો. જો કે થોડા સમય પહેલા દેવાયત ખવડે પોતાના ડાયરામાં મજાકીયા અંદાજમાં કહ્યું હતું કે, 2025થી સિલેક્ટેડ ડાયરા જ કરવા છે. આ નિવેદન પર કટાક્ષ કરતાં હોય તેમ બ્રિજરાજદાને દેવાયત ખવડનું નામ લીધા વિના કહ્યું હતું કે, 2025માં ઘણાંના ડાયરા બંધ કરાવી દીધા.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)