Search
Close this search box.

સુરતના મિત્રોને સેલવાસમાં નડ્યો અકસ્માત, કારનો કચ્ચરઘાણ વળી ગયો, 4ના મોત

સેલવાસના દૂધની રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર સુરતના પાંચ પૈકી ચાર મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

દાદરા નગર હવેલીના દૂધની નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. કાર પલટી મારી જતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સુરતના મિત્રો દૂધની તરફ આવી રહ્યા હતા આ સમયે અકસ્માતની ઘટના બની હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી નીચે ખાબકી હતી. એક સાથે ચાર લોકોના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતના પાંચ મિત્રો કાર લઇને દાદરા નગર હવેલીના દૂધની પ્રવાસે ગયા હતા. દૂધનીનો પ્રવાસ પૂર્ણ કરીને તેઓ પરત સુરત તરફ આવી રહ્યાં હતા ત્યારે ખાનવેલ તરફ જતી વખતે કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. ચાલકે મોટી દુર્ઘટના ટાળવા માટે કારને પથ્થર સાથે અથડાવી દીધી હતી. જોકે પથ્થર સાથે અથડાયા બાદ કાર પલટી મારી ગઇ હતી. અકસ્માતના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. બનાવ અંગે પોલીસ અને 108ની ટીમને જાણ કરી હતી.

અકસ્માતની આ ઘટનામાં ચાર યુવકોને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં સંજય ચંદુ ગજ્જર, હસમુખ માગોકિયા, હરેશ વડોહડિયા અને સુજીત પુરુષોત્તમ કલાડિયાનો સમાવેશ થાય છે જ્યારે સુનીલ કાલિદાસ નિકુડે ઇજાગ્રસ્ત થયો છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પોલીસે ચાર મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે

Leave a Comment

Read More

Read More