Search
Close this search box.

આગામી 48 કલાક દરમિયાન આ રાજ્યોમાં થશે ભારે વરસાદ, IMDએ જારી કર્યું એલર્ટ

હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસ રહી શકે છે.

ડિસેમ્બર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડવા લાગી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં દિવસની શરૂઆત પ્રદૂષણ અને ધુમ્મસ સાથે થઈ રહી છે, જેના કારણે ઓછી વિઝિબિલિટી હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે આજે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. હવામાન વિભાગની આગાહી અનુસાર, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

આગામી ત્રણ દિવસ માટે જારી કરવામાં આવેલી આગાહીમાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. વિઝિબિલિટી ઘણી ઓછી હશે. ઉત્તર-પશ્ચિમના પવનોએ દિલ્હી તેમજ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની ઘનતા વધારી છે. દિવસનું તાપમાન સતત ઘટી રહ્યું છે. હવે હળવો શિયાળો શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરથી ફૂંકાતા પવનો ધુમ્મસને પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી લંબાવી શકે છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસ રહી શકે છે.

ઉત્તર ભારત માટે IMD એ જાણકારી આપી કે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ અને કાશ્મીરના પહાડો પર આવી રહ્યું છે. તેની અસરથી આજે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય અહીં હળવી હિમવર્ષા થવાની પણ શક્યતા છે. ઉત્તરીય ક્ષેત્રમાં બરફીલા ઠંડા ફૂંકાશે અને દિલ્હીથી ભોપાલ સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. એવું કહેવામાં આવ્યું કે પહાડોમાં હિમવર્ષાના કારણે પંજાબ, હરિયાણા સહિત દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં આગામી થોડા દિવસોમાં પારો લગભગ ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે. ત્યારે હવે ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડી શકે છે.

ભારતમાં વાવાઝોડું આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી બંગાળની ખાડીમાં બની રહેલા લો પ્રેશર એરિયાએ હવે મોટા વાવાઝોડાનું સ્વરૂપ લીધું છે, જે તમિલનાડુની સાથે ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં પણ તબાહી મચાવી શકે છે. તોફાનની ગંભીરતાને ધ્યાનમાં લઈને હવામાન વિભાગે તમિલનાડુના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું 28 નવેમ્બરના રોજ તેના સંપૂર્ણ ચરમ પર રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાને કારણે તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે તમિલનાડુ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.

IMD અનુસાર, આજે દક્ષિણ કેરળના દરિયાકાંઠે અને તેની બહાર, મન્નારનો અખાત અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને દક્ષિણ-પૂર્વ અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીની આસપાસના ભાગો, શ્રીલંકા તટ, તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 35 કિમી પ્રતિ કલાકથી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે જે વધીને 55 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. શ્રીલંકાના કિનારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં 55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે વધીને 75 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

 

Leave a Comment

Read More

Read More