ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ હાર્યાં બાદ કેપ્ટન રોહિત શર્મા પર ચારેબાજુથી માછલાં ધોવાઈ રહ્યાં છે. રોહિત શર્માની કેપ્ટનન્સી પર સવાલ ઉઠી રહ્યાં છે. હવે રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી લઈને પણ વાતો થવા લાગી હતી. 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા કૃષ્ણમાચારી શ્રીકાંતે રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું છે.
શ્રીકાંતે કહ્યું કે રોહિતની ઉંમર વધી રહી છે અને જો તે ઓસ્ટ્રેલિયામાં લય નહીં જાળવે અને સારુ પ્રદર્શન નહીં કરે તો તે જાતે જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે. પોતાના યુટ્યુબ શોમાં શ્રીકાંતે કહ્યું કે ટીમ ઈન્ડિયાએ હવે આગળની યોજના બનાવવી પડશે. જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં સારો દેખાવ નહીં કરે તો મને લાગે છે કે તે પોતે જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. તે માત્ર વનડે રમશે.
રોહિતે પોતાની ભૂલ સ્વીકારી તે મોટી વાત
શ્રીકાંતે કહ્યું, “રોહિત શર્માએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, આ મોટી વાત છે. તેણે સ્વીકાર્યું છે કે તે શ્રેણીમાં બેટ્સમેન અને કેપ્ટન તરીકે ફ્લોપ રહ્યો છે. તમારી ભૂલ સ્વીકારવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે તે હવે પોતાને સુધારશે.
રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં ફ્લોપ
તાજેતરના સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેણે છેલ્લી 10 ઇનિંગ્સમાં 13.30ની એવરેજથી માત્ર 133 રન બનાવ્યા છે. તે જ સમયે, આ વખતે ટીમ ઇન્ડિયા માટે WTC ફાઇનલમાં પહોંચવું પણ મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી બે WTC ફાઈનલ મેચ રમી હતી. જો ટીમ ઈન્ડિયાને WTC ફાઇનલમાં સ્થાન બનાવવું હોય તો તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 4 મેચ જીતવી પડશે.
રોહિત ટી20માંથી નિવૃતી લઈ ચૂક્યો છે
ઉલ્લેખનીય છે કે રોહિત પહેલેથી જ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી ચૂક્યો છે અને હવે ટેસ્ટમાંથી પણ સંન્યાસની વાતો થઈ રહી છે. જોકે વનડેમાં તે રમવાનુ ચાલું રાખી શકે છે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)