પ્રાકૃતિક કૃષિ
દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત, ઓછા ખર્ચે થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી
પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્થંભ વિશે જાણવા જેવુંમાત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી વ્યાપક વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે
અમરેલી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરુ છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.
જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારના ભાગરુપે ખેડૂતો સુધી તે ખેતી વિષયક જાણકારી પહોંચાડવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પાકની વૃદ્ધિ માટે જરુરી ઈનપુટ (ખેત સામગ્રી) બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે ખેડૂત પોતે તે બનાવી શકે છે. પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આધાર સ્થંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક અસ્ત્રોનો સમાવેશ થાય છે.
પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોએ સૌ પ્રથમ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ. ત્યારબાદ દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરેલા જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્થંભ મુજબ ખેતી કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે.
રાસાયણિક ખાતરને બદલે જીવામૃત : ખેડૂતોએ આ પદ્ધતિ દ્વારા ખેતી કરતી વેળાએ રાસાયણિક ખાતરને બદલે જીવામૃત વાપરવું જોઈએ. આ જીવામૃત તૈયાર કરવા માટે ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૧૦ કિ.ગ્રા દેશી ગાયનું તાજું છાણ, + ૧ મુઠી ઝાડ નીચે પડેલા શેઢા પાળા વાડની માટી + ૧ કિ.ગ્રા દેશી ગોળ + ૧ કિ.ગ્રા ચણા કે કોઈ પણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને ૨૦૦ લીટર પાણીના ડ્રમમાં નાખી અને મિશ્રણ મિક્ષ કરવું. ત્યારબાદ ડ્રમને કંતાનના કોથળાથી ઢાંકવું અને છાંયડે રાખવું અને લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ ૦૫-૦૫ મિનિટ સુધી હલાવવું. ઉનાળામાં બે-ત્રણ દિવસમાં અને શિયાળામાં એક અઠવાડિયામાં આવી રીતે જીવામૃત બની જશે. જીવામૃત તૈયાર થયા પછી ૧૫ દિવસ તેનો ઉપયોગ કરી શકાય છે.
વાપરવાની રીત : આ જીવામૃતને એક એકર માટે ૨૦૦ લીટર ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર તેનો છંટકાવ કરવો.
ઘન જીવામૃત તૈયાર કરવાની રીત : ઘન ૨૦૦ કિ.ગ્રા સખત તાપમાં સૂકવેલ, ચાળણીથી ચાળેલા દેશ ગાયના છાણના પાવડરને ૨૦ લીટર જીવામૃત સાથે ભેળવવું. ત્યારબાદ ૪૮ કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરી અને ત્યારબાદ પાતળું સ્તર કરી સૂકવવું. આ સ્તરને દિવસમાં ૨-૩ વાર ઉપર નીચે કરવું. સૂકાઈ જાય ત્યારબાદ તેના ગાંગડાનો ભૂક્કો કરી એક વર્ષ સુધી તે વાપરી શકાય છે.
વાપરવાની રીત : ઘન જીવામૃત જમીનમાં અંતિમ ખેડાણ પહેલાં પ્રતિ એકર ૨૦૦ કિ.ગ્રા અને કુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિ.ગ્રા આપવું.
ફાયદા : જીવામૃત આપવાથી જમીનમાં સુક્ષ્મ જીવાણુની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે અને ભેજનું નિર્માણ ઝડપી બને છે. તેમજ તે સુષુપ્ત અળસિયાને સક્રિય કરી અને અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવી છોડના મૂળને પ્રાપ્ત કરાવે છે. આનાથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને નાઈટ્રોજનની ઉપલબ્ધિ વધે છે.
ગુજરાતની રાજ્યની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન, ઝીંક સલ્ફર, વગેરે પોષક તત્વોની મોટી ઉણપ હોવાથી કોઈ પણ પ્રકારની ખેતી પ્રવૃત્તિમાં કૃષિ પદ્ધતિથી તૈયાર કરાયેલ જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા અને પોષક તત્વોની ઉપલબ્ધિ વધે છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ભેજ સંગ્રહની ક્ષમતા વધે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. પાણી બચત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે.
વધુમાં ખેડૂતો માટે જીવાત નિયંત્રણ કરવા પણ આવી જ પ્રાકૃતિક રીતે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તૈયાર કરવાં આવી છે. દશપર્ણી અર્ક, ખાટી છાશનો ઉપયોગ પણ ફૂગનાશક તરીકે થાય છે. આ ઉપરાંત ફુગનાશકો તરીકે બીજામૃત અને સુંઠાસ્ત્ર તૈયાર કરવામાં આવે છે. *જિવાતનિયંત્રણ માટે
૧) નિમાસ્ત્ર : ૨૦૦ લીટર પાણી + ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિલોગ્રામ દેશી ગાયનું છાણ + ૧૦ કિગ્રા કડવા લીમડાના નાના પાંદડા, કુમળી ડાળીઓ અથવા ૨૦ થી ૩૦ કિલો લીંબોડી ખાંડીને આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાયડામાં રાખી સવાર સાંજ ૫-૫ મિનિટ માટે ઘડિયાળનાં કાંટાની દિશામાં હલાવવું ત્યારબાદ કપડાથી ગાળીને ઉપયોગ કરવો.
સંગ્રહ ક્ષમતા : ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.છંટકાવ : પ્રતિ એકર ૨૦૦ લીટર ફક્ત નિમાસ્ત્ર. પાણી ભેળવવાનું નથી, પાળી ભેળવ્યા વગર સીધો જ છંટકાવ કરવો.
૨) બ્રહ્માસ્ત્ર : ૨૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી + ૨ કિલોગ્રામ કરંજના પાનની ચટણી + કિલોગ્રામ સીતાફળના પાનની ચટણી + 2 કિલોગ્રામ એરંડાના પાનની ચટણી + ૨ કિગ્રા ધતુરાના પાનની ચટણી + ૨ કિલોગ્રામ બીલીપત્રના પાનની ચટણી આ પૈકી કોઈપણ પાંચ જાતની ચટણી લઈ આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો.
સંગ્રહ ક્ષમતા : ૦૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે ટકાવ : પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર તા : ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.
૩) અગ્નિઅસ્ત્ર૨૦ લીટર દેશી ગાયનું ગૌમુત્ર + ૨ કિલોગ્રામ કડવા લીમડાના પાનની ચટણી + ૫૦૦ ગ્રામ તીખા મરચા ચટણી + ૨૫૦ ગ્રામ દેશી લસણની ચટણી + ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર + ૫૦૦ ગ્રામ આદુની ચટણી, આ મિશ્રણને ઓગાળીને ઢાંકી ધીમા તાપે એક ઉભરો ભાવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ માટે ઘડીયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો.
સંગ્રહ ક્ષમતા : ૩ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાયછંટકાવ : પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લીટર પાણી +૧ ની ૮ લીટર અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરવો
૪) દશપર્ણી અર્ક (બધા જ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ) બનાવવાની રીત : પ્રથમ દિવસ : ૨૦ લીટર ગૌમુત્ર તેમજ ર કિ.ગ્રા. તાજા છાણને ૨૦૦ લિટર પાણીમાં નાખી લાકડીથી બે કલાક છાંયડામાં કોથળાથી ઢાંકવું. આ મિશ્રણમાં ૫૦૦ ગ્રામ હળદરની પાઉડર અને ૫૦૦ ગ્રામ આદુની ચટણી તથા ૧૦ ગ્રામ હીંગનો પાઉડર નાખી આ મિશ્રણને હલાવીને આખી રાત કોથળાથી ઢાંકવું.
બીજો દિવસ : ઉપરોક્ત મિશ્રણમાં સવારે ૧ થી ૨ કિલો તીખા મરચાની ચટણી, ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૧ કિલોગ્રામ તમાકુનો પાવડર નાખી લાકડીથી હલાવો અને આ મિશ્રણને કોથળાથી ઢાંકી દો.
ત્રીજો દિવસ : (અ) કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, કરંજ, સિતાફળ, ધતુરો, એરંડા અને બિલિપત્ર આ ઉપરાંત (બ) નગોડ, તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, ગલગોટાનાં પંચાગ, કારેલા, બાવળના પૈડીયા, આંકડ, આંબા, જાસુદ, જામફળ, પપૈયા, હળદર, આદુ, કરેણ, દેશી રામ બાવળ, બોરડી, કુંવાડીયો, સરગવો, અર્જુન સાદડ, ઘા બાજરીયું (હાંડવેલ) અને ગળોની વેલના પાંદડા ઉપરોક્ત ‘અ’ માંથી કોઈપણ પાંચ અને ‘બ’ માંથી કોઈપણ પાંચ એમ કુલ દશ વનસ્પતિનાં પાંદડા દરેક વનસ્પતિના ૨ કિલોગ્રામ એટલે કે ૨૦ કિલોગ્રામ પાનની ચટણી બનાવી તેને બીજા દિવસે બનાવેલ મિશ્રણમાં ડુબાડો અને ત્રીસથી ચાલીસ દિવસ વરસાદ અને સૂર્યના તાપથી દુર રાખી રોજ ૫-૫ મિનિટ દિવસમાં બરોબર હલાવો.
ઉપયોગ : ૧૦૦ થી ૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર દશપર્ણી અર્ક નાંખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને એક એકરમાં છંટકાવ કરવો, આ દશપર્ણી અર્ક છ મહિના સુધી વાપરી શકાય છે.
ખાટી છાશ : સાતથી દશ દિવસની ૧૦ લીટર ખાટી છાશને ૨૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો, ખાટી છાશ એ ફુગનાશક, વિષાણુ નાશક, સંજીવક અને પ્રતિકારક શક્તિમાં વધારો કરનાર છે.
(૫) ફુગનાશકોબી જામૃત : ૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૫ કિલોગ્રામ દેશી ગાયનું છાણ + ૫૦ ગ્રામ ચુનો + ૧ મુઠી ઝાડ નીચેની માટીને ૨૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ૧૦૦ કિલોગ્રામ બિયારણને ઘટ આપવા માટે ૨૪ કલાક બાદ ઉપયોગમાં લો.
*સુંઠાસ્ત્ર : ૨૦૦ ગ્રામ સુંઠ અથવા વાવડીંગ પાઉડરને ૦૨ લીટર પાણીમાં એટલુ ઉકાળો કે અડધું થયા બાદ ઠંડુ પાડો, બીજા વાસણમાં ૨ લીટર દૂધને ધીમા તાપે ઉકાળી મલાઈ કાઢી નાખવી. ૨૦૦ લીટર પાણીમાં ઉપરનો ઉકાળો અને દૂધ મીક્ષ કરી ૨ કલાક બાદ છોડ પર ઉપયોગ કરો.
ખેડૂતોને જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે તમામ પ્રકારનું માર્ગદર્શન પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી (આત્મા), આત્માની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર, ચક્કરગઢ રોડ, પટેલ સંકુલની બાજુમાં, અમરેલી પિન ૩૬૫૬૦૧ ખાતેથી મળી શકે છે. ખેડૂતો કચેરીના સમય દરમિયાન ફોન નં.૦૨૭૯૨ ૨૨૦૫૬૨ પરથી માહિતી મેળવી શકે છે.
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા