સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ બીજા કેદીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. મોટી વાત તો એ છે કે આ હત્યા કરનાર આરોપી પૂર્વ આર્મી મેન છે અને અગાઉ પણ તેણે હત્યા કરી હતી.
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ સાબરમતી જેલ ફરી એક વાર વિવાદમાં આવી છે. અત્યાર સુધી જેલમાંથી મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ પકડાતી હતી, તેવામાં હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ બીજા કેદીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. મોટી વાત તો એ છે કે આ હત્યા કરનાર આરોપી પૂર્વ આર્મી મેન છે અને અગાઉ તેણે કરેલી એક હત્યાના કેસમાં તે આજીવન કેદની સજા ભોગવતો હતો.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં વર્ષો પહેલા સુરંગ કાંડ થયો હતો. જેની તપાસ લાંબા સમય સુધી ચાલી હતી. જેલમાં અવારનવાર મળી આવતા મોબાઈલ ફોનને લઈને પણ સતત જેલ વિભાગ વિવાદમાં રહે છે, જોકે આ વચ્ચે હવે જેલમાં હત્યાની ઘટના બની છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બડા ચક્કર યાર્ડ નંબર 4 એમાં બુધવારે સવારે 5 વાગે આસપાસ એક કેદીએ અન્ય કેદીની હત્યા કરી છે. આ મામલે રાણીપ પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે. ભારતીય સેનામાં મધ્યપ્રદેશના ગ્વાલીયર ખાતે સીપાઈ તરીકે ફરજ બજાવનાર 40 વર્ષીય ભરત પ્રજાપતિ નામનાં કેદીએ કેશાભાઈ પટેલ નામનાં 71 વર્ષીય કેદી સુઈ રહ્યો હતો ત્યારે તેને માથામાં ઈંટ મારી તેને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. જોકે બુમાબુમ થતા બેરેકના અન્ય કેદીઓ જાગી જતા જેલતંત્રને જાણ થઈ હતી
માથામાં ઈંટો વાગતા કેશાભાઈ પટેલને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. જેને લઈને ઈન્ચાર્જ જેલર પ્રકાશસિંહ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આરોપી ભરત પ્રજાપતિ મૂળ ગાંધીનગરનો માણસાનો રહેવાસી છે અને થોડા વર્ષો પહેલા જ્યારે તે આર્મીમાં ફરજ બજાવતો હતો, ત્યારે એક હત્યા કરી હતી, જેમાં આર્મી કોર્ટ દ્વારા વર્ષ 6 જુલાઈ 2023માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારથી તે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ હતો. છેલ્લાં 10 મહિનાથી ભરત પ્રજાપતિ જેલમાં કેદ હતા. જે દરમિયાન 13 જાન્યુઆરી 2024 ના રોજ તેણે અન્ય કેદીને માથામાં પથ્થર મારી ઈજાઓ પહોંચાડી હતી. જોકે બાદમાં તેની બેરેક બદલી દેવામાં આવી હતી. જોકે આ ઘટના પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
આ ઘટનામાં મોતને ભેટનાર કેશાભાઈ પટેલ સામે અગાઉ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો જેમાં તેને 5 વર્ષની કેદની સજા થઈ હતી. આ ઘટનાને લઈને જેલ વિભાગે સવારના સીસીટીવી તપાસ કરી ગુનાના કામે કબ્જે કર્યા છે. રાણીપ પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 302, 303 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે આરોપીને આર્મી કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હોય આગામી દિવસોમાં રાણીપ પોલીસ દ્વારા કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરી આ ગુના પાછળનું કારણ જાણવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે