આરોપી સામે 2017 માં ગોમતીપુરમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં તે જેલમાં કેદ હતો અને ત્યાં પેરોલ પર છૂટીને આ ગુનાને અંજામ આપ્યો છે. જોકે પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે તેને વકફ બોર્ડની જમીન ખાલી કરાવવા માટે એક વ્યક્તિએ સોપારી આપી હતી.
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ શહેરના કુખ્યાત ગુનેગારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. હાલમાં જ ગોમતીપુર વિસ્તારમાં આવેલા ચાર તોડા કબ્રસ્તાનની જમીન વિવાદને લઈને કુખ્યાત અલ્તાફ બાસી સહિતના આરોપીઓએ ભેગા મળી મારામારી, ધાડ અને અન્ય ગુનાઓ આચરતા ત્રણ જેટલી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જે મામલે મુખ્ય આરોપી અલ્તાફ બાસીને ક્રાઈમ બ્રાન્ચે સુરતથી દબોચી લીધો છે. પકડાયેલા આરોપીની તપાસમાં સામે આવ્યું કે તેને આ કામ માટે સોપારી આપવામાં આવી હતી.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે અલ્તાબખાન પઠાણ ઉર્ફે અલ્તાફ બાસીની ધરપકડ કરી છે. આરોપીએ રખિયાલ અને ગોમતીપુર વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે અનેક ગુનાને અંજામ આપ્યા છે. 11 મી મેના રોજ ગોમતીપુર વિસ્તારમાં આવેલા ચાર તોડા કબ્રસ્તાનની વકફ બોર્ડની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવા બાબતને લઈને અલ્તાફ બાસી અને તેના ભત્રીજા સહિતના પાંચથી વધુ લોકોએ મારામારી અને અન્ય ગુના આચર્યા હતા. જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ ફરિયાદ પણ નોંધાઈ હતી. એક ફરિયાદમાં આરોપીએ ફરિયાદીને મકાન ખાલી કરાવવા માટે હથિયારો સાથે ધરમાં પ્રવેશી તોડફોડ કરી, માર મારી ધમકી આપી હતી, બીજી ફરિયાદમાં યુવકને માર મારી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી અને ત્રીજી ફરિયાદમાં આરોપીઓએ ભેગા મળી સ્થાનિક કાઉન્સિલરને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આપી હતી. આ મામલે શહેર પોલીસ કમિશનર જી.એસ મલીકે સૂચના આપતા અલ્તાફ બાસી મુંબઈ ફરાર થાય તે પહેલા સુરતથી તેને પકડી પાડવામાં આવ્યો છે.
આરોપી હત્યાના ગુનામાં પણ સંડોવાયેલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે તેની સામે અમદાવાદ સહિત અલગ અલગ કુલ 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં રખિયાલમાં 9 ગુના, બાપુનગરમાં 2, ગોમતીપુરમાં 5 અને ક્રાઈમ બ્રાંચમાં એક ગુનો છે. હત્યાથી લઈને નાના મોટા અનેક ગુનાઓનો સમાવેશ છે. આરોપી સામે 2017 માં ગોમતીપુરમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં તે જેલમાં કેદ હતો અને ત્યાં પેરોલ પર છૂટીને આ ગુનાને અંજામ આપ્યો છે. જોકે પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે તેને વકફ બોર્ડની જમીન ખાલી કરાવવા માટે એક વ્યક્તિએ સોપારી આપી હતી. પરંતુ તે વ્યક્તિ કોણ છે અને કેટલા રૂપિયામાં આરોપીએ સોપારી લીધી હતી, તે બાબતની તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે.
ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે નોંધાયેલા કુલ 3 ગુનામાં અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે અલ્તાફ બાસીના ભત્રીજા ફરાર થઈ ગયા હોય તેઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ દિશામાં શોધખોળ હાથ ધરી છે.