પરિવારે આરોપી રમેશ ઉપર સમલૈંગિક સંબંધ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ મૃતક નિલેશભાઈનો મૃતદેહ પણ અર્ધનગ્ન હાલતમાં મળ્યો હોવાથી પોલીસને ફક્ત પૈસાની લેતી દેતી નહીં પરંતુ અન્ય કોઈ કારણ પણ હત્યા પાછળ જવાબદાર હોવાની શંકા જઈ રહી છે.
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ / શહેરના એસ.પી રીંગરોડ પાસે 3 દિવસ પહેલા એક અજાણ્યા પૂરૂષનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બોપલ પોલીસની પ્રાથમિક તપાસમાં તેમજ પીએમ રિપોર્ટમાં આ પુરુષની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. બોપલ પોલીસે મૃતદેહની ઓળખ કરી હત્યાનો ભેદ ઉકેલાયો છે અને હત્યારા યુવકની ધરપકડ કરી છે.
અમદાવાદમાં એસ.પી રીંગરોડ પર શક્તિ કન્વેશનની બાજુના વરંડામાં અવાવરૂ જગ્યાએ ત્રણ દિવસ પહેલા એક અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ થતા તાત્કાલિક મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જોકે પોલીસની પ્રાથમિક તપાસ તેમજ પીએમ રિપોર્ટના આધારે સામે આવ્યું કે આ પુરૂષનુ ગળું દબાવી તેમજ ઇંટના ઘા મારી હત્યા કરવામાં આવી છે. પોલીસે પુરુષની ઓળખ કરતા નિર્ણયનગર ખાતે આવેલા શાન્તારામ કોમ્પલેક્ષ પાસે રહેતા નિલેષભાઇ વાઘેલાનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. મૃતક નિલેશ વાઘેલા વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી એસજીવીપી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હતા. નિલેષભાઇ ગત તા. 11મીએ સવારે ઘરેથી નીકળીને નોકરીએ ગયા હતા પરંતુ સાંજે ઘરે આવ્યા ન હોવાથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. નિલેષભાઇના પરિવારે હોસ્પિટલમાં પહોંચીને તપાસ કરતા નિલેશભાઈ નોકરીનાં સમય બાદ નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં પોલીસને મૃતદેહની ઓળખ થતાં બોપલ પોલીસે પરિવારને જાણ કરો હતી.
નિલેષભાઇનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં હોવાથી તેમના પરિવારજનોએ પોલીસ સમક્ષ એક વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી હતી. નિલેષભાઇની સાથે હોસ્પિટલમાં હાઉસકિપીંગનું કામ કરતો અને સમલૈંગિક સંબંધ ધરાવતો રમેશ નામનો શખ્સ નિલેષભાઇને અવાર નવાર હેરાન કરતો હોવાનો આક્ષેપ થતાં બોપલ પોલીસે તે દિશામાં વધુ તપાસ કરતા નિલેશભાઈ ની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે મૃતક નિલેશભાઈ સાથે હોસ્પિટલમાં કામ કરતા રમેશ ધામોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપી રમેશની પૂછપરછ કરતાં સામે આવ્યું કે રમેશે મૃતક નિલેશભાઈને 10,000 રૂપિયા ઉછીના આપ્યા હતા. જેની અવારનવાર માંગણી કરવા છતાં પણ નિલેશભાઈ પરત આપતા ન હતા. જેથી હોસ્પિટલના સમય બાદ આરોપી રમેશે નિલેશભાઈને શક્તિ કન્વેન્શન સેન્ટરની બાજુમાં આવેલા અવાવરું જગ્યા પર બોલાવ્યા હતા અને ત્યાં બંને વચ્ચે પૈસાની લેતી દેતિ મામલે બોલાચાલી થઈ હતી જેમાં રમેશે નિલેશભાઈને ઈંટોના ઘા મારી ગળું દબાવી હત્યા નીપજાવી હતી.
પોલીસે હાથ ધરી કાર્યવાહી જોકે પરિવારે આરોપી રમેશ ઉપર સમલૈંગિક સંબંધ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ મૃતક નિલેશભાઈનો મૃતદેહ પણ અર્ધનગ્ન હાલતમાં મળ્યો હોવાથી પોલીસને ફક્ત પૈસાની લેતી દેતી નહીં પરંતુ અન્ય કોઈ કારણ પણ હત્યા પાછળ જવાબદાર હોવાની શંકા જઈ રહી છે. આ ઉપરાંત મૃતક નિલેશભાઈનો ફોન તેમજ એકટીવાની પણ પોલીસ શોધખોળ હાથ ધરી છે. જેના દ્વારા પણ પોલીસ હત્યા પાછળના અન્ય કારણો શોધવામાં સરળતા પડી શકે છે. હાલ તો પોલીસે આરોપી રમેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)