લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે પ્રથમ દિવસે રાજકોટ ખાતે કુલ 160 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભાજપ તરફથી 20 અને કોંગ્રેસ તરફથી 12 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.
પરશોત્તમ રૂપાલાનો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. દિવસે ને દિવસે આ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જાય છે. એક તરફ ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગણી કરી છે ત્યારે ભાજપ દ્વારા આ અંગે કોઇ નિર્ણય ન લેવાતા ક્ષત્રિયોનો રોષ વધી ગયો છે. વિવિધ શહેરોમાં ક્ષત્રિય સંમેલન થઇ રહ્યાં છે ત્યારે રાજકોટમાં 100 ક્ષત્રિય મહિલાઓએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા છે. જેના કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે.
ક્ષત્રિય મહિલાઓ મેદાને
રાજકોટ લોકસભાની બેઠક માટે જિલ્લા કલેકટર કચેરીએ ઉમેદવારી પત્રો ઉપાડવા માટે ધસારો થયો હતો. આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે પ્રથમ દિવસે કુલ 160 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભાજપ તરફથી 20 અને કોંગ્રેસ તરફથી 12 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. બીજી તરફ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ આજે 100 ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું એલાન કર્યું હતું. નયનાબા જાડેજા સહિતની મહિલાઓએ આજે 100થી વધુ ફોર્મ ઉપાડ્યા હતાં. આજે પ્રથમ દિવસે પુરુષોત્તમ રૂપાલા, તેમના ડમી ઉમેદવાર મોહન કુંડારીયા અને કિરીટ પાઠકના નામે ફોર્મ લેવાયા છે. કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ડો. હેમાંગ વસાવડા અને હિતેશ વોરાના નામે ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.
ભાજપ અને કોંગ્રેસની સાથે આપ-બસપાએ પણ ફોર્મ લીધા
રાજકોટ લોકસભા બેઠક પર 16 એપ્રિલે પરશોત્તમ રૂપાલા ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવાના છે ત્યારે આજે પ્રથમ દિવસે રૂપાલા, તેમના ડમી ઉમેદવાર મોહન કુંડારિયા અને કિરીટ પાઠકના નામે 4, 4, 4 એમ 12 ફોર્મ સહિત 20 ફોર્મ લીધા હતા. જ્યારે સામે પક્ષે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ડો. હેમાંગ વસાવડા અને હિતેશ વોરાના નામે 4-4-4 મળીને 12 ફોર્મ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના બે વ્યક્તિ દ્વારા છ ઉમેદવારી ફોર્મ તેમજ બહુજન મુક્તિ પાર્ટીના વ્યક્તિ દ્વારા ત્રણ ફોર્મ ઉપરાંત કોંગ્રેસના યુવા અગ્રણી દ્વારા પણ આજે એક ફોર્મ ઉપાડવામાં આવ્યું હતું. સાથોસાથ અપક્ષ ઉમેદવારે પણ એક ફોર્મ તેમજ અન્યએ ચાર ફોર્મ ઉપાડ્યા હતા.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)