વિદેશ મંત્રી એસ જયશંકરને જ્યારે મુશ્કેલ સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પાડોશી દેશ પાકિસ્તાનનું નામ લીધા વિના તેનો ઉલ્લેખ કર્યો. તેમણે આતંકવાદને લઈને ભારતની આક્રમકતાનો પણ સંકેત આપ્યો છે.
આતંકવાદ પર ભારતનું વલણ કેટલું કડક છે તે 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની બાલાકોટ એર સ્ટ્રાઈક પરથી જ સમજી શકાય છે. આ દરમિયાન હવે વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદીઓ સામે થઈ રહેલી કાર્યવાહી અંગે કહ્યું છે કે આતંકવાદીઓને મારવામાં કોઈ નિયમ ન હોવો જોઈએ કારણ કે તેઓ પોતે કોઈપણ પ્રકારના નિયમ અને કાનૂનનું પાલન કરતાં નથી.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદના મુદ્દે બેફામપણે કહ્યું કે, 2014થી ભારતની વિદેશ નીતિમાં મોટો બદલાવ આવ્યો છે અને આતંકવાદનો સામનો કરવાનો આ જ યોગ્ય રસ્તો છે. તેમણે કહ્યું કે જ્યારે આતંકવાદીઓ નિયમોનું પાલન નથી કરતાં, તો પછી નિયમો અનુસાર તેમની સામે કેવી રીતે બદલો લેવામાં આવશે? તેમના પુસ્તક ‘Why Bharat Matters’ પર પૂણેમાં એક કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે આ મામલે કોઈ નિયમોનું પાલન ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે જ્યાં પણ આતંકવાદીઓ દેખાય છે, તક મળતાં જ તેમને મારી નાખવા જોઈએ.
પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો સૌથી મુશ્કેલ
ખાસ વાત એ હતી કે તે કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરને એ પણ પૂછવામાં આવ્યું હતું કે ભારતને કયા દેશો સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવામાં સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જયશંકરે આ સવાલના જવાબમાં પાકિસ્તાનનું નામ ન લીધું પરંતુ કહ્યું કે તે દેશ પાડોશમાં છે અને તેના માટે માત્ર અમે જ જવાબદાર છીએ.
કાશીમાં બની શ્રી રામલલ્લાની મૂર્તિ, અયોધ્યામાં પૂજા થયા બાદ નેધરલેન્ડમાં થશે સ્થાપિત
કાશ્મીર વિવાદ પર આપ્યું મોટું નિવેદન
એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાને 1947માં કાશ્મીર પર હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ તેમનો સામનો કર્યો અને રાજ્ય ભારતમાં ભળી ગયું. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે ભારતીય સેના કાર્યવાહી કરી રહી હતી ત્યારે અમે રોકાયા અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ગયા અને હુમલાખોરોને આતંકવાદીઓને બદલે આદિવાસી ઘૂસણખોરો ગણાવ્યા.