ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે આ કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે. ગરમીના કારણે બિમારીના કિસ્સા પણ વધી રહ્યાં છે ત્યારે છેલ્લા 40 દિવસમાં 108ને ઇમરજન્સીના 33 હજાર કોલ્સ મળ્યાં છે.
ગરમીના કારણે લોકોના હાલ બેહાલ થઇ ગયાં છે ત્યારે લોકો ગરમીના કારણે વધારે બિમાર પડી રહ્યાં છે. હીટવેવને કારણે 108ને મળતા ઇમરજન્સી કોલ્સમાં વધારો થયો છે. જેમાં 9 દિવસમાં 1549 લોકો બેભાન થયા છે. તેમાં અમદાવાદમાં 40 દિવસમાં 9 હજારથી વધુ કોલ્સ ઈમરજન્સી સર્વિસને મળ્યા છે. 9 દિવસમાં હાઈફિવરના 1262 કેસ સામે આવ્યા છે. ગરમીથી ઝાડા-ઉલટીના 1784 કોલ્સ મળ્યા છે. તેમાં દર્દીઓને ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા છે. તેમજ 40 દિવસમાં ગરમીથી બીમારીના 33 હજાર કોલ્સ મળ્યા છે.
9 દિવસમાં 1549 લોકો બેભાન થયા
ગુજરાતમાં કાળઝાળ ગરમીની અસરના કારણે છેલ્લા નવ દિવસમાં 1,549 લોકો ચક્કર ખાઈને બેભાન થયા છે, આવા દર્દીને સારવાર માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે મોકલવામાં આવ્યા છે. પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવું, માથાનો દુઃખાવો સહિતની વિવિધ ગરમીને લગતી બીમારીના ગુજરાતમાં છેલ્લા નવ દિવસમાં 7,342 કોલ્સ 108 ઈમરજન્સી સર્વિસને મળ્યા છે. પહેલી માર્ચથી 9મી માર્ચ સુધીમાં ગરમીને લગતી બીમારીના ગુજરાતમાં 32,984 કોલ્સ આવ્યા છે, જેમાંથી 7,034 કોલ્સ બેભાન થવાના છે.
ગત વર્ષ કરતા આ વર્ષે 20 ટકા કોલ્સ વધ્યાં
શહેરમાં છેલ્લા 40 દિવસના અરસામાં ગરમીને લગતી બીમારીના 9032 કોલ્સ આવ્યા છે, આ સમય ગાળામાં ગત વર્ષની સરખામણીએ કોલ્સમાં 20 ટકા જેટલો વધારો દેખાયો છે, અમદાવાદમાં જે 9032 કોલ્સ આવ્યા તેમાંથી બેભાન થવાના 1815 કેસ, પેટમાં દુખાવાના 3551, હાઈ ફિવરના 1481 અને ઝાડા ઉલટીના 1894 કેસ ઈમરજન્સી સર્વિસને મળ્યા છે
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રાજ્યના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું, રાજકોટમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદ 41.5, ગાંધીનગર 41.0 ડીગ્રી, ભુજ 41.1, રાજકોટ 41.7, સુરેન્દ્રનગર 41.5 ડીગ્રી, કંડલા 40.0, ડીસા 39.4, વડોદરા 39.6 ડિગ્રી, કેશોદ 39.0, મહુવા 38.6, ભાવનગર 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે. 13 એપ્રિલે દાહોદ, નવસારી, વલસાડ, સુરત, ભાવનગર, અમરેલી, સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14અને 15 એપ્રિલે નર્મદા, દાહોદ, છોટાઉદેપુર વરસાદની આગાહી, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.